જીવન અનુભવો

એક મધ્યમવર્ગીય પુરુષ

દિશાંત દોશી18 ઑક્ટોબર, 2026
WhatsApp Image 2026-10-18 at 3.15.48 PM

પહેલા આપણે “માવતર” વિશે વાત કરી હતી...

એ માવતર વિશે, જેણે પોતાની ખુશીઓ કરતાં સંતાનોની ખુશીઓને મોટી માની, પોતાના સપનાઓને બાજુ પર રાખીને સંતાનોના સપનાઓને પાંખ આપી.

પણ એક વાત વિચારવા જેવી છે...

એ જ માવતરનો એક દીકરો પણ છે.

જે ક્યારેક કોઈનો લાડકો પુત્ર હતો, પછી જવાબદાર ભાઈ બન્યો, કોઈનો જીવનસાથી બન્યો અને સમય જતાં કોઈના બાળકોનો “પપ્પા” બન્યો.

એક માણસ...

જે આખી જિંદગી કોઈને કોઈનો બનીને જીવતો રહ્યો, પણ ક્યારેક પોતાનો બનીને જીવવાનો સમય જ તેને મળ્યો નહીં.

એટલે આજે વાત છે—

એક પુત્રની, એક ભાઈની, એક પતિની, એક પિતાની... અને એ બધાની વચ્ચે પોતાને ભૂલી જતો એક મધ્યમવર્ગીય પુરુષની.

ચાલો, થોડી ક્ષણો માટે તેની જગ્યાએ ઊભા રહીને જોઈએ કે પરિવાર માટે જીવતો આ માણસ અંદરથી પોતે કેટલો જીવતો હશે?

સવારનું એલાર્મ વાગે એ પહેલાં જ તેની જવાબદારીઓ જાગી જાય છે.

બાળકોની ફી, માતા-પિતાની દવા, ઘરનો ખર્ચ, EMI, વીજળીનું બિલ, બચત અને અચાનક આવી પડતો કોઈ ખર્ચ...

આ વિચારો સાથે તેનો દિવસ શરૂ થાય છે.

તે એક સાથે અનેક ભૂમિકાઓ જીવે છે.

તે દીકરો છે, ભાઈ છે, પતિ છે, પિતા છે અને કર્મચારી પણ છે.

આ બધું નિભાવતાં-નિભાવતાં ક્યારેક તેની પોતાની ઓળખ જ પાછળ રહી જાય છે.

તેના પણ સપનાઓ છે.

નવી વસ્તુ લેવાની ઈચ્છા હોય છે, સારી કાર લેવી હોય છે, પરિવાર સાથે ફરવા જવું હોય છે, પોતાના માટે કંઈક ખરીદવું હોય છે.

પણ ઘણીવાર પોતાના માટે વિચાર આવે ત્યારે એક જ વાક્ય નીકળે છે—

“હમણાં નહીં... આવતા મહિને લઈ લઈશ.”

અને ઘણીવાર એ “આવતો મહિનો” ક્યારેય આવતો નથી.

કારણ કે એ પહેલાં પરિવારની જરૂરિયાત આવી જાય છે.

ક્યારેક જીવનસાથી તમારી અધૂરી ઈચ્છા પણ યાદ રાખે છે...

એક વ્યક્તિનો ખૂબ મોટો અકસ્માત થયો હતો.

આ અકસ્માતે તેને મન, તન અને ધન—ત્રણે રીતે તોડી નાખ્યો હતો.

તેને ઘડિયાળ પહેરવાનો ખૂબ શોખ હતો. પરંતુ અકસ્માત પછી લગભગ છ વર્ષ સુધી તેણે ઘડિયાળ પહેરી જ નહીં.

તેને એક મોંઘી ઘડિયાળ ગમતી હતી, પરંતુ પરિસ્થિતિ એવી હતી કે પોતાના માટે એ ખર્ચ કરવો શક્ય નહોતો.

તેની પત્ની આ વાત ભૂલી નહોતી.

તે દર મહિને થોડા-થોડા પૈસા બચાવીને અલગ રાખતી ગઈ.

એક દિવસ તેણે એ બચત પતિના હાથમાં મૂકી અને કહ્યું—

“તમે તમારી પસંદની ઘડિયાળ લઈ આવો.”

પતિ ખુશ થઈને પોતાની મનગમતી ઘડિયાળ લઈને આવ્યો.

પરંતુ સાથે બીજી એક ઘડિયાળ પણ હતી.

પત્નીએ પૂછ્યું— “આ કોના માટે?”

પતિએ કહ્યું— “આ તારી.”

એ જ બચતના પૈસામાંથી.

પત્નીએ પતિની વર્ષો જૂની ઈચ્છા યાદ રાખી હતી અને પતિએ પોતાની ખુશી સાથે પત્નીની ખુશી પણ યાદ રાખી હતી.

કદાચ આ જ તો લગ્નજીવનની સુંદરતા છે—

જ્યાં એક વ્યક્તિ તમારી નાની ઈચ્છા પણ યાદ રાખે છે અને તમે તમારી ખુશી કરતાં તેની ખુશીને આગળ રાખો છો.

એ બે ઘડિયાળો માત્ર વસ્તુ નહોતી...

એમાં વર્ષોનો ત્યાગ, સમજણ અને એકબીજા માટેનો પ્રેમ હતો.

એક પુત્ર તરીકે તે માતા-પિતાને ટેકો આપવા માંગે છે.

એક ભાઈ તરીકે પરિવારની મુશ્કેલીમાં ઊભો રહેવા માંગે છે.

એક પતિ તરીકે પત્નીના ચહેરા પર સ્મિત જોવા માંગે છે.

અને એક પિતા તરીકે બાળકોને પોતાના કરતાં વધુ સારું જીવન આપવા માંગે છે.

આ બધાની વચ્ચે પોતાના સપનાઓને તે ધીમે ધીમે નાનું કરતો જાય છે.

કોઈ તેને પૂછતું નથી—

“તારે પણ કંઈક જોઈએ છે ને?”

ઓફિસમાં પણ તેની પોતાની લડાઈ હોય છે.

કામનો તણાવ, ટાર્ગેટ, નોકરીની ચિંતા, ધંધાની અનિશ્ચિતતા, લોન અને ભવિષ્યનું ગણિત...

પણ તે આ બધું ઘરમાં લઈને આવવા માંગતો નથી.

કારણ કે મનમાં એક જ વિચાર હોય છે—

“હું જ જો ચિંતા કરીશ તો ઘરના લોકોને કોણ સંભાળશે?”

એટલે ઘરમાં પ્રવેશે ત્યારે ચહેરા પર સ્મિત રાખે છે.

બાળકો સાથે વાત કરે છે.

પત્નીને પૂછે છે—“બધું સારું છે ને?”

માતા-પિતાની ખબર લે છે.

અને ક્યારેક બધાં સૂઈ જાય પછી પોતાને પૂછે છે—

“હું કેમ છું?”

પણ એ સવાલનો જવાબ આપવા જેટલો સમય પણ તેની પાસે નથી હોતો.

સમાજ ઘણીવાર પુરુષ પાસેથી તેની કમાણી પૂછે છે, પણ તેની ચિંતા નથી પૂછતું.

પુરુષ પણ થાકે છે.

તેને પણ દુઃખ થાય છે.

તેને પણ ડર લાગે છે.

તેને પણ ક્યારેક રડવું આવે છે.

પણ તેને બાળપણથી શીખવવામાં આવે છે—

“મજબૂત બન.”

અને સમય જતાં તે પોતાની આંખનાં આંસુ પોતે જ લૂછતા શીખી જાય છે.

તેની ઘણી પીડા એક જ વાક્યમાં સમેટાઈ જાય છે—

“આ તો તારી ફરજ છે.”

હા, ફરજ છે...

પણ ફરજ નિભાવનાર માણસની પણ લાગણીઓ હોય છે.

ક્યારેક તેને પણ સાંભળવું હોય છે—

“તું ઘણું કરે છે...”

“તને કોઈ તકલીફ તો નથી ને?”

“થાકી ગયો હોય તો આરામ કરી લે...”

ક્યારેક માત્ર બે મિનિટનો સાથ પણ ઘણો હોય છે.

ઉંમર વધે તેમ તેની ચિંતાઓ પણ વધતી જાય છે.

બાળકોનું ભવિષ્ય, માતા-પિતાની તબિયત, નોકરીની સ્થિરતા, લોન, અભ્યાસ, નિવૃત્તિ...

અને ક્યાંક મનમાં સવાલ આવે છે—

“મારા પછી મારા પરિવારનું શું?”

છતાં બીજા દિવસે તે ફરી ઊઠે છે, કામે જાય છે અને જવાબદારીઓ નિભાવે છે.

કારણ કે તેને ખબર છે કે પરિવારની ઘણી ખુશીઓ તેની સાથે જોડાયેલી છે.

પરંતુ પુરુષને માત્ર પૈસાની જરૂર નથી.

તેને વિશ્વાસ, સન્માન, પ્રેમ અને સાથ જોઈએ છે.

પત્નીનો સાથ, બાળકોનો પ્રેમ અને આદર, માતા-પિતાના આશીર્વાદ—આ તેની સૌથી મોટી તાકાત બની શકે છે.

પુષ્ટિમાર્ગની દૃષ્ટિએ પણ ઘર માત્ર રહેવાનું સ્થાન નથી.

પરિવારમાં પ્રેમ, સમજણ, ત્યાગ, સહનશીલતા અને પરસ્પર માન હોય તો એ સંબંધોની સેવા પણ શ્રી ઠાકોરજીની સેવાની એક સુંદર ભાવના બની શકે.

જ્યાં એકબીજાની લાગણીઓને સમજવામાં આવે છે, ત્યાં સામાન્ય ઘર પણ કૃપાથી ભરેલું બની જાય છે.

એટલે પરિવારને એક નાની વિનંતી...

માત્ર એ ન જુઓ કે એ કેટલું કમાય છે.

એ પણ જુઓ કે એ તમારા માટે કેટલું છોડે છે.

એની ભૂલો સાથે એના પ્રયત્નો પણ જુઓ.

એની જવાબદારી સાથે એની અંદરનો થાક પણ જુઓ.

અને એ મજબૂત છે એવું માનીને તેની લાગણીઓને અવગણશો નહીં.

કારણ કે એક પુરુષને પણ ક્યારેક કોઈના ખભા પર માથું મૂકીને શાંત બેસવું હોય છે.

તેને પણ કોઈએ કહેવું જોઈએ—

“ચિંતા ન કર... હું તારી સાથે છું.”

કદાચ આપણા ઘરમાં પણ આવો કોઈ પુરુષ છે.

કદાચ એ આપણા પિતા છે.

કદાચ આપણો ભાઈ છે.

કદાચ આપણો પતિ છે.

કદાચ આપણો દીકરો છે.

અથવા કદાચ...

આપણે પોતે જ છીએ.

એટલે આજે થોડું તેના મૌનને સાંભળીએ.

તેના સંઘર્ષને સમજીએ.

તેના પ્રયત્નોની કદર કરીએ.

કારણ કે મધ્યમવર્ગીય પુરુષ માત્ર ઘર ચલાવતો નથી...

તે ઘણી વખત પોતાના સપનાઓનું બલિદાન આપીને પરિવારના સપનાઓને જીવતો હોય છે.

અને કદાચ તેની સૌથી મોટી કમાણી તેની પગારની સ્લિપ નથી...

પરંતુ પોતાના પરિવારનો વિશ્વાસ, પોતાના લોકોનો પ્રેમ અને પોતાના ઘરના ચહેરા પરનું સ્મિત છે.

II જય શ્રીકૃષ્ણ II

II જૈ જૈ શ્રી ગોકુલેશ II

WhatsApp

ટિપ્પણીઓ (0)

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલા લખનાર બનો!

0/1000

|| શ્રી કૃષ્ણ શરણં મમ: ||

શ્રીજી બાબાની અસીમ કૃપા આપ સર્વે પર સદૈવ વરસતી રહે.

સંબંધિત લેખો