🌿 એક પરિવાર, એક ભાવ, એક સેવા 🌿

દિશાંત દોશી11 ઑક્ટોબર, 2026

આજના આધુનિક યુગમાં જીવનની દોડધામ, વ્યસ્તતા અને વ્યક્તિગત વિચારસરણીના કારણે સંયુક્ત પરિવારો ધીમે ધીમે ઓછા થતા જાય છે. સંયુક્ત પરિવાર માત્ર એક જ છત નીચે રહેવાનું નામ નથી, પરંતુ પ્રેમ, સેવા, સંસ્કાર, સમર્પણ અને શ્રીઠાકોરજીને કેન્દ્રમાં રાખીને જીવવાની એક દિવ્ય જીવનશૈલી છે.

 

એક સમય હતો જ્યારે ઘરમાં દાદા-દાદી, કાકા-કાકી, ભાઈ-ભાભી, માસા-માસી, મામા-મામી, ફોઈ-ફુઆ, બનેવી, બહેન, ભત્રીજા-ભત્રીજી, ભાણેજ-ભાણેજી જેવા અનેક સંબંધો જીવંત હતા. બાળકોને દરેક સંબંધનો અનુભવ થતો હતો. દરેક તહેવાર આનંદનો પ્રસંગ બનતો હતો અને દરેક સુખ-દુઃખ આખો પરિવાર સાથે મળીને વહેંચતો હતો.

 

પરંતુ આજે મોટાભાગે એક એક  બાળકોવાળા નાના પરિવારો બની ગયા છે. પરિણામે બાળકો માટે કાકા કોણ? માસી કોણ? મામા કોણ? ફોઈ કોણ? બનેવી કોણ? જેવા સંબંધો માત્ર શબ્દો બની રહ્યા છે. ધીમે ધીમે સંબંધોની ઉષ્મા ઓછી થતી જાય છે અને પરિવારની એકતા પણ ક્ષીણ થતી જાય છે.

 

આપણે તો વૈષ્ણવ છીએ. શ્રીઠાકોરજીની સૌથી નજીક રહેવાનો, તેમની સેવા કરવાનો અને તેમની કૃપાના અધિકારી બનીને જન્મ લીધો છે. જ્યારે શ્રીઠાકોરજીના સમગ્ર વ્રજમાં સૌ એક પરિવારની જેમ પ્રેમથી રહેતા હતા, ત્યારે આપણે કેમ અલગ પડી જઈએ?

 

જો આપણે શ્રીઠાકોરજીને રાજી કરવા ઇચ્છીએ, તો માત્ર સેવા જ નહીં, પરંતુ પરિવારના દરેક સભ્ય પ્રત્યે પ્રેમ, આદર, ક્ષમા અને સહકારનો ભાવ પણ રાખવો પડશે. કારણ કે જ્યાં પ્રેમ છે ત્યાં પ્રભુનો નિવાસ છે. જ્યાં એકતા છે ત્યાં કૃપા છે. જ્યાં વડીલોનો આદર છે, નાનાઓ પ્રત્યે સ્નેહ છે અને પરસ્પર સેવા છે, ત્યાં ઘર માત્ર ઘર નથી રહેતું, પરંતુ મંદિર બની જાય છે.

 

આપણી નવી પેઢીને માત્ર આધુનિક શિક્ષણ નહીં, પરંતુ સંબંધોની કિંમત પણ શીખવવાની જરૂર છે. બાળકોને મોબાઇલ અને રમકડાં કરતાં વધુ કાકાનો પ્રેમ, માસીનો વહાલ, મામાનું મમત્વ, ફોઈનો સ્નેહ અને દાદા-દાદીના આશીર્વાદની જરૂર છે. આ સંબંધો જ જીવનની સાચી મૂડી છે.

 

ચાલો, ફરીથી સંબંધોને જીવંત બનાવીએ. પરિવારને જોડીએ. વડીલોને માન આપીએ. નાનાઓને સંસ્કાર આપીએ. શ્રીઠાકોરજીને આપણા ઘરના કેન્દ્રમાં રાખીને પ્રેમ, સેવા અને એકતાથી જીવન જીવીએ.

 

🌿 એક પરિવાર, એક ભાવ, એક સેવા — એ જ સંયુક્ત પરિવાર. 🌿

 

જય શ્રીકૃષ્ણ. 🙏

જૈ જૈ શ્રીગોકુલેશ 🙏

 

ટિપ્પણીઓ (0)

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલા લખનાર બનો!

ટિપ્પણી લખો...
ટિપ્પણી કરવા સાઇન ઇન કરો

|| શ્રી કૃષ્ણ શરણં મમ: ||

શ્રીજી બાબાની અસીમ કૃપા આપ સર્વે પર સદૈવ વરસતી રહે.

સંબંધિત લેખો